TODAY THAT DAY - 11-04-2022 - Kasturba's Birthday

TODAY THAT DAY - 11-04-2022 - Kasturba's Birthday


આજે ૧૧ એપ્રિલ ૨૦૨૨, કસ્તુરબા ગાંધી નો જન્મ દિવસ – જેઓ હંમેશા ગાંધીજીના પત્ની તરીકે ઓળખાયા, કસ્તુરબાનો જન્મ ૧૧ અપ્રિલ ૧૮૬૯ના રોજ થયેલ તેઓએ હંમેશા ગાંધીજીનો સાથ આપ્યો પરંતુ અંધ પતિભક્તિ કહેવું પણ ઉચિત ન કહી શકાય. ગાંધીજીનો સાથ જેમ દરેક સત્યાગ્રહીઓએ આપ્યો તેવી જ રીતે એક પત્ની તરીકે તેમણે ગાંધીજીના દરેક કાર્યોમાં આગળ પડતો સાથ આપ્યો. મણીબેન પટેલે કસ્તુરબા વિશે એક ગ્રંથનું સંપાદન કરેલ અને તેમાં તેમના પત્રો અને ઘણીખરી વિગતો લખેલ મણીબેને સંપાદન કરેલ ગ્રંથ કસ્તુરબા : વાણી અને વિચાર – નવજીવન પ્રકાશિત તેમાં નિવેદનમાં જ તેમણે લખ્યું કે “પિતા વલ્લભભાઈના વર્ષ ૧૯૨૨-૨૪ના જેલવાસ દરમ્યાન તેઓ કસ્તુરબા સાથે બારડોલી, સુરત, નાગપુર પ્રવાસ દરમ્યાન રહેવાનું થયું અને કસ્તુરબા સભામાં બોલતી વખતે જરાય ગભરાતાં નહી.” વર્ષ ૧૯૩૨માં તો મણીબેન પટેલ અને કસ્તુરબા બન્નેની સાથે ધરપકડ થયેલી, જેલમાં પડતી અગવડને તેઓ સહન કરતાં, જે સગવડો જેલવાસ દરમ્યાન મળવી જોઈએ તે પણ ન મળે તો તેઓ ક્યારેય કોઈ સરકારી અધિકારી સાથે એક હરફ ન ઉચ્ચારતા, પરંતુ તેમને કાયદા મુજબ જે સગવડો મળવી જોઈએ તે બાબતે મણીબેન પટેલ સરકારી અધિકારીઓ સાથે ઝઘડો કરતાં પણ ખરાં.


ગાંધીજી અને કસ્તુરબાનો મોટો પુત્ર મુસલમાન થયો તે છાપાંમાં વાંચી તેમને ખુબ આઘાત થયેલો. તેમણે હરિલાલને લખેલ પત્રમાં તેમનું દુ:ખ વ્યક્ત કરેલ આ પત્ર નવજીવનમાં ૧૯૬૯ વર્ષ દરમ્યાન અમારા બાના નામે પ્રકાશિત થયેલ. એક મા તરીકે તેમણે જે લખ્યું તેના અંશો મુજબ : “મદ્રાસમાં મધ્યરાત્રીએ જાહેરમાર્ગ પર દારૂના નશામાં તોફાની વર્તણુકના કારણે મેજિસ્ટ્રેટે તને એક રૂપિયાના દંડની સજા કરેલ તે મેજિસ્ટ્રેટે જે દયા બતાવી એજ સાબિત કરે છે કે તેઓ ખુબ ભલા માણસ હશે. અને નામ પુરતી સજા કરવા માટે એ સમજવું જોઈએ કે તેઓને તરા પિતા પ્રત્યે એમનો સદ્દભાવ દર્શાવ્યો છે. આ બનાવ જાણ્યા પછી મને ખુબ જ દુ:ખ થાય છે. તારો બાપીકો ધર્મ તે શા કારણથી બદલ્યો તે હું નથી જાણતી, એ તારી અંગત બાબત છે. પરંતુ તારી પોતાની મર્યાદાનું તને ક્યારે ભાન આવશે? ધર્મ વિષે તને કેટલું જ્ઞાન છે? તારા બાપુજીના નામના કારણે લોકો તારા થકી અવળા માર્ગે દોરવાઈ જશે. ધર્મ પ્રચારને તું લાયક નથી. તને હું તારી આ મૂર્ખતા છોડી દેવાની વિનંતી કરુ છું. તારો ધર્મપલટો મને ગમ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય કે હરિલાલે પાછળથી આર્યસમાજ પધ્ધતિથી પોતાનો બાપીકો ધર્મ ફરી સ્વીકાર્યો હતો.૧૯૩૦ના મીઠા સત્યાગ્રહ સમયે જલાલપુર તાલુકા પરિષદના કસ્તુરબા પ્રમુખ હતાં. તેમણે બહેનોને પ્રવચન દરમ્યાન કહ્યું કે આપણા દેશની મુશ્કેલીના સમયે આપણે મળ્યા છે. આ પરિષદના પ્રમુખસ્થાનેથી મારે આપનો આભાર માનીને એક વાત કહેવી છે કે અંદર અંદરના ઝઘડાઓ ભૂલી જાઓ અને બધાં જ એક થાઓ. આ લડતમાં બહેનો ધારે તો પુરુષોને ખુબ જ મદદ કરી શકશે. દારુ અને પરદેશી કાપડના નિષેધનું કામ તો બહેનોએજ કરવાનું છે. બહેનો દુ:ખની ભાષા વધારે સમજે છે. ધરાસણાના અત્યાચારમાં બહેનોના દિલ ઘવાયા છે. દેશહિત કાજે કોઈ પણ હિલચાલ થાય ત્યારે આ અત્યાચારો યાદ કરજો.


૧૯૨૩ના નાગપુર ઝંડા સત્યાગ્રહ સમયે કસ્તુરબાએ બહેનોને હાકલ કરતા જણાવ્યું કે નાગપુરમાં ભાઈઓએ ભલી બજાવી, અને હજી પણ બજાવશે. પણ બહેનોનું શું? બહેનોને તો હજી તક મળી જ નથી. કેટલીય બહેનો મારી જેમ જ મુઝાઈ રહી છે. તો તે દરેક બહેનોને એક ખુશખબર આપતા જણાવું કે ૧૮ ઓગષ્ટના દિવસે બહેનોને લઈ નાગપુર જવા માટે મે ભાઈ વલ્લભભાઈ પાસે રજા મેળવી લીધેલ છે. દક્ષિણ આફ્રિકાની જેમ અહીં પણ બહેનોની પાછળ આપણે હજારોને ખેંચીશું.

સંદર્ભ : કસ્તુરબા વાણી અને વિચાર – સંપાદક મણીબેન પટેલ, નવજીવન – મેગેઝીન ૧૯૨૩, ૧૯૬૯
Today That Day | Today This Day | Date Today | Today Special Day | Todays Day and Date | Today That Day

No comments:

Post a CommentSubscribe

Enter your email address:

Delivered by FeedBurner