Today That Day - 03-04-1903 - Birthday of Ku. Maniben Patel
એક દિકરી પોતાના પિતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ
કરે અને ભારતના ઈતિહાસમાં પણ એવા અનેક ઉદાહરણો છે કે જેમાં દિકરીએ પોતાના પિતા માટે
તપ કરેલ હોય. આજે ૦૩-૦૪-૨૦૨૨ ના રોજ આપણે વાત કરવી છે મણિબેન પટેલ – સરદાર વલ્લભભાઈ
પટેલના દિકરી વિશે. એક દિકરી પોતાના પિતા અને પરિવાર માટે શું કરે તેનું ઉત્તમ ઉદાહરણ
અને ગર્વ થાય તેવી દિકરી.
ભણતર અને પરિચય
મણિબેનનો જન્મ ૦૩-૦૪-૧૯૦૩ના રોજ ગાના ગામે તેમના
મોસાળમાં થયો હતો, મણિબેન જ્યારે ૬ વર્ષના હતા ત્યારે તેમના માતા ઝવેરબાનું અવસાન વર્ષ ૧૯૧૦માં
થયું. વલ્લભાઈ પટેલ તે સમયે ૩૩ વર્ષે વિધુર થયેલા અને તેમની વિલાયત જઈ બેરિસ્ટર થવાની
પ્રબળ ઇચ્છા હતી આથી તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈ જેઓ મુંબઈ રહેતા હતા તેમને ત્યાં પુત્રી
મણિબેન અને પુત્ર ડાહ્યાભાઈને મુક્યા. વિઠ્ઠલભાઈને કોઈ સંતાન નહોતું અને વલ્લભભાઈના
બાળકોને ખુબ જતનથી રાખ્યા. મણિબેન ૧૯૧૧માં ક્વીન્સ મેરી સ્કુલમાં ભણ્યા અને ત્યારબાદ
૧૯૧૩માં સેંટ જોસેફ કોંવેંટ સ્કુલમાં ભણ્યા બાદ વર્ષ ૧૯૧૭માં સરકારી શાળા અમદાવાદમાં
ઉચ્ચતર શિક્ષણ મેળવ્યુ અને ૧૯૨૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ગ્રેજ્યુએટ થયા. તેઓ જ્યારે ૧૯૨૦ની સાલમાં મેટ્રિકમાં હતા ત્યારે પરીક્ષાને આશરે ૬ માસ બાકી
હતા અને વલ્લભભાઈ પટેલે સરકારી શાળા-કોલેજોનો બહિષ્કાર કરવાની હાકલ વિદ્યાર્થીઓને કરી
અને જેને અનુસરી તેમણે સપ્ટેમ્બર ૧૯૨૦માં શાળાનો ત્યાગ કર્યો. મણિબેને વર્ષ ૧૯૨૧થી
જ વલ્લભભાઈના પત્રોનો સંગ્રહ કરવાનો શરૂ કર્યો હતો જે વલ્લભભાઈના અંત સુધી કર્યો. વલ્લભભાઈ
પટેલ ૧૯૩૦થી ૧૯૪૬ સુધી કોઈ સ્થાયી ઘર હતું જ નહી તેમ છતાં મણિબેને આ પત્રોનો સંગ્રહ
અને તેની જાળવણી કરી. મણિબેનના શબ્દોમાં કહીએ તો “મને ઘડવામાં બાપુજીએ (સરદાર પટેલ)
કેટલી મહેનત કરી છે, કેટલો પ્રેમ વરસાવ્યો છે, આજે મારામાં જો કાંઈ સારા ગુણો કે ટેવો હોય તો તે બધું મારા જીવનના બે મુખ્ય
ઘડવૈયા પૂ. બાપુજી (સરદાર પટેલ) અને પૂ. બાપુ (ગાંધીજી) એ મારી પાછળ લીધેલા પરિશ્રમને
આભારી છે. તેમણે વર્ષ ૧૯૪૮ દરમ્યાન સરદાર પટેલન પત્રોને ભેગા કરી નકલ કરાવવાનું શરૂ
કરેલું અને તે પછી નરહરિભાઈની સુચના મુજબ ૧૯૪૯ સુધીમાં તેનું સંપાદન શરૂ કર્યુ. અને
આ પત્રોને આખરે સ્વરૂપ આપતા પહેલા નરહરિભાઈએ તેને ચકાસ્યું, અને
આખરે પૂ. બાપુજીના પત્રો પ્રજા સમક્ષ મૂકીને એક કામનો બોજો ઊતરી જતાં નિરાંતનો અનુભવ
થયો.
વલ્લભભાઈ
પટેલે ૧-૧-૧૯૨૭ના રોજ પત્રમાં નિખાલસ અને માતૃવાત્સલ્ય સાથે લખ્યું કે તમારે સુખેદુ:ખે
આશ્રમમાં એટલે મારી સાથે જ રહેવાનું છે. તમારૂં અંતર મારી પાસે ઠાલવી મારી પાસેથી “મા”નું
કામ લેજો. તમારી નીરસતાનું કારણ ઊંડે ઊંડે સાથીની ખામે તો નથી ને? મને તમારા એક હિતેચ્છુએ આગ્રહપૂર્વક
કહ્યું છે કે તમને મારે પરણાવી દેવી જોઈએ. આ વાત એક જુવાનને અંગે નીકળી. તે પાટીદાર
તો નથી પણ લાયક છે. મેં કહ્યું તમારે વિશે હું તો નિર્ભય છું. તમને વિવાહની ઈચ્છા થાય
એવું હાલ તો હું નથી ભાળતો. ત્યારે તેણે કહ્યું “તમે મણિબેનને નથી ઓળખતા.” આ વખતે મશ્કરી
નથી કરતો એમ મારી ભાષા પરથી જોઈ શકશો. મને નિર્ભયતાથી જવાબ આપજો. એટલું તો છે જ કે
જે કુમારિકા રહેવા ઈચ્છે તેણે વીરાંગના રહેવું જોઈએ. તેણે પ્રફુલ્લિત રહેવું જોઈએ.
નહીં તો લોક કહેશે “એને પરણાવો”. કેટલી સરળ ભાષામાં સરદાર સાહેબે પુત્રીના મનની વાત
જાણવાનો પ્રયાસ કર્યો. વળતાં જવાબમાં મણિબેન પટેલ લખે છે કે “પરમ પૂજ્ય બાપુજી,
જ્યારથી ન પરણવાનો નિશ્ચય કર્યો છે ત્યારથી આજની અત્યારની ઘડી સુધી તો
મને કદી પરણવાનો વિચાર નથી આવ્યો. ગમે તેટલી અશાંત હોઉ, ગમે તેટલું
ચિત્ત વ્યગ્ર હોય છતાં મને એમ નથી થયું કે જો લગ્ન કરુ તો શાંતિ મળે. ઊલટું એમ જ થયુ
કે લગ્ન કર્યું હોત – મારી સંમતિથી અગર બાપુના કહેવાથી તો વધારી દુ:ખી થાત. જુહુ માંદી
થઈને આવી તે પહેલાં ઘણીવાર આપઘાત કરવાનો વિચાર બે ત્રણ વરસમાં અનેક વાર થયેલો,
પણ ચોક્કસ નિશ્ચય વિચાર ખાસ કદી કર્યો નથી. સહેજ કોઈ વાર બહુ જ વ્યગ્ર
હોઉ ત્યારે એક કે બે થી વધુ વખત નથી આવ્યો. પણ આપઘાત નહીં કરુ એ સંબંધી ખાતરી આપું
છું. અને એક વાર કહ્યાં પછી તો નહીં જ કરુ. હું તો સંસારથી ધરાઈ ગઈ છું. મારી દ્રષ્ટિએ
મે અત્યાર સુધી કાંઈ ઓછું નથી ભોગવ્યું. એમાંથી ઘણું તો તમને ખબર પણ નહી હોય. મારો
સ્વભાવ જ એવો છે કે હું ભાગ્યે જ કોઈને એ વિશે કહું છું.પાટીદાર જ્ઞાતિમાં જન્મેલી
એક છોકરી એટલે થોડાઘણા તો તેનાં ફળ પણ ભોગવ્યાં. મારા ઉમળકા, મારો ઉત્સાહ આમ પણ બાળપણથી જ નાશ પામવા માંડ્યો હતો. ઘણીખરી વાર એકલી રડી શાંતિ
મેળવી છે. મારી નીરસતાનું કારણ સાથીની ખામી (કમી) નથી એ હવે તો સ્પષ્ટ થશે,
એમ માનું છું. બીજાને જે કહેવું હોય તે કહે અને એક વખત ધારો કે બાપુ
અથવા તમે પરણાવવાનો નિશ્ચય કરો તો પણ હવે હું નાની નથી કે મને પરાણે પરણાવી શકો. જ્યારે
પરણવાની ઈચ્છા થશે ત્યારે કહેતાં શરમાઈશ નહી.
આઝાદીની લડત અને જેલવાસ
વર્ષ ૧૯૨૩માં નાગપુર સત્યાગ્રહમાં કસ્તુરબા સાથે
ભાગ લીધો. અમદાવાદમાં પુરની આફત સમયે અને ત્યારબાદ પ્લેગનો રોગચાળો ફેલાયો ત્યારે પણ
તેમણે સમાજ સેવા કરી. ૧૯૩૦માં પ્રથમ વખત તેઓ જેલમાં ગયા. અને ત્યાર બાદ બારડોલી સત્યાગ્રહ
સમયે જેલવાસ કર્યો, વિદેશી કપડાની હોળી, અને ખેડા સત્યાગ્રહ સમયે ૧૯૩૩માં
૧૫ મહિનાનો જેલવાસ કર્યો. ૧૯૩૮-૩૯માં રાજકોટ સત્યાગ્રહ સમયે કસ્તુરબા સાથે જેલમાં ગયા.
૧૯૪૦માં જેલ તથા ૮ ઓગષ્ટ ૧૯૪૨ના મધ્યરાતે તેમની ધરપકડ ઈંડિયન ડેફેંસ એક્ટ હેઠળ કરવામાં
આવી અને ૧૯૪૫ સુધી તેમને આર્થર રોડ, યેરવડા અને હિંદલ્ગા જેલમાં
રહ્યા.
સ્વામી સચ્ચિદાનંદે મણિબેનની સાદગી વિશે કહ્યું
મણિબેને જે સાડી પહેરી હતી તે જોઈ મારું મસ્તક
આદરથી નમતું ગયું. આજે અમે જ્યારે તેમને અમે તેમને સન્માન આપવા ભેગા થ્હયા છીએ, ત્યારે તેમણે ખાદીની બનેલ સાડી
પહેરેલ છે જે બરછટ અને સરખી રીતે ધોવામાં પણ આવેલ નહોતી, ઈસ્ત્રી
પણ નહોતી કરેલ. આ વાતને અહીં પડતી મુકો તો પણ આપણા જેવા સાધુઓ પણ, મજબૂત હોય તેવા અને કરચલી વિનાના કપડાં પહેરીને ત્યાગની વાત કરીએ છીએ! રાષ્ટ્રો,
સરકારી વહીવટી તંત્ર તેમને ભલે યાદ કરે કે ન કરે પરંતુ તેઓ લોકોના હ્રદયમાં
હંમેશા માટે તેમનું સ્થાન હશે.
સરદાર પટેલ વિશે જે કાંઈ પણ જાણકારી આજે અક્ષર
દેહ સ્વરૂપે મળેલ છે તે કું. મણિબેન પટેલને આભારી છે.
સંદર્ભ
:
૧) ઈન સાઈડ સ્ટોરી ઓફ સરદાર પટેલ – ડાયરી ઓફ મણિબેન
પટેલ (૧૯૩૬-૫૦) – પી.એન. ચોપરા – પ્રભા ચોપરા
૨) બાપુના
પત્રો – ૪ મણિબેન પટેલને – સંપાદક મણિબેન પટેલ
No comments:
Post a Comment