Today That Day - 07-03-1930 - Arrest of Sardar Patel with the intention of thwarting the plan of Dandi March
Today That Day - 07-03-1930
Arrest of Sardar Patel with the intention of thwarting the plan of
Dandi March
દાંડી કૂચની યોજના નિષ્ફળ બનાવવાના હેતુથી સરદાર પટેલની ધરપકડ
પ્રશ્ન ખેડા સત્યાગ્રહનો હોય
કે બારડોલી સત્યાગ્રહનો હોય, કે પછી મીઠા સત્યાગ્રહ હોય સરદાર પટેલ
માટે તો ગાંધીજી એ કહ્યું એટલે કરવાનું. પરંતુ તે સત્યાગ્રહો કેવી રીતે સફળ બનાવવા
તેની યોજનાઓ સરદાર પટેલ જ તૈયાર કરતા જેમ કે મીઠા સત્યાગ્રહ (દાંડી કૂચ) ની વાત
કરીએ તો સરદાર સાહેબે સાબરમતિ આશ્રમથી દાંડી સુધી આવતા ગામોની સ્વંય મુલાકાત લીધી
અને ગાંધીજીનો રાતવાસો ક્યા રહેશે? તે માટે કેવી સગવડો કરવી? ગામે ગામથી કેટલા લોકો આ કૂચમાં જોડાશે? એમ આવી નાનામાં નાની બાબતોનું પોતે ધ્યાન રાખ્યું અને
અંગ્રેજોએ દાંડી કૂચ સફળ ન જાય તે માટે રાસ ગામે સરદાર સાહેબની ધરપકડ કરી. જ્યારે
તેમની ધરપકડ થઈ ત્યારે પણ તેમણે જેલમાં રહીને સત્યાગ્રહ સફળ કેવી રીતે કરવો તેની
પુરેપુરી તકેદારી રાખી.તેમની ધરપકડ ૭ માર્ચ ૧૯૩૦ના રોજ રાસ ગામે
સરદાર પટેલને ભાષણ કરવા માટે રોકવામાં આવ્યા અને તેમને એક એવા ગુના હેઠળ દોષી
ઠેરવવામાં આવ્યા કે જે તેમણે કર્યો જ નહોતો. સરદાર પટલે ભાષણનો એક પણ શબ્દ બોલ્યા
નહોતા તેમ છ્તાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા.
સરદાર
પટેલ બ્રિટિશ સરકારને જડ્બાતોડ જવાબ આપવાનો વિચાર મનમાં સતત ઘોળાયા કરતો હતો. અને
ગાંધીજીને ધરપકડ મીઠા સત્યાગ્રહમાં થાય અને તરત જ સત્યાગ્રહનો જ્વાળામુખી ભભુકી
ઉઠે અને સત્યાગ્રહીઓ બધી જ જેલો ભરી દે અને સરકારને જમીન મહેસૂલની એક પાઈ પણ ન મળે
તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની યોજના સરદાર સાહેબના મનમાં ચાલી રહી હતી. અને આ
વાત તેમના ભરુચના ભાષણમાં પણ જણાઈ આવે છે. ૧૨મી માર્ચે સાબરમતીથી ગાંધીજી કૂચનો
આરંભ કરે તે પહેલાં સરદાર પટેલ દરેક કૂચના માર્ગમાં આવતા દરેક ગામો કે નગરોની
મુલાકાત લેવી તેમ તેમણે વિચાર્યું હતુ અને તેના ભાગરૂપે તેમણે પાટણવાડિયા-ક્ષત્રિય
ભાઈઓને શાંતિપુર્વક સત્યાગ્રહમાં ભાગ લેવા મહીસાગર કાંઠે આવેલ કંકાપુરા ગામમાં
મળનારી જાહેરસભામાં ભાષણ કરવા ૭મી માર્ચ રવિવારનો દિવસ નકકી થયો, અને
તે માટે સરદાર પટેલ સવારમાં બોરસદ આવ્યા અને ત્યાથી એક બસમાં કાર્યકર્તાઓ સાથે
કંકાપુરા ગામે જવા નીકળ્યા, રસ્તામાં
રાસ ગામે જમી બપોરે કંકાપુરા જવાનું હતું પરંતુ રાસ ગામના લોકોને લાગ્યું કે અમારો
એવો કયો ગુનો કે સરદાર સાહેબ ગામમાં પધારે અને ગામના લોકોને સત્યાગ્રહ વિશે એક વાત
પણ ન કરે? પરંતુ સરદાર
સાહેબે સ્વાભાવિક રીતે મીઠા સત્યાગ્રહ બાબતે ગામની તૈયારી વિશે પુછતા, ગામના
આશાકાકા (આશાભાઈ લલ્લુભાઈ પટેલ)એ કહ્યું કે રાસ ગામ આખું આ લડતમાં જોડાશે અને
જેલમાં જવા માટે ૨૦૦ જેટલા સ્વયંસેવકોએ તૈયારી દર્શાવી. અને બહેનોએ પણ સ્વેચ્છાએ
સત્યાગ્રહની લડતમાં જોડાવા તૈયારી બતાવી. ગામનો જુસ્સો જોતા સરદાર પટેલે ગામની
ભાગોળે વડ નીચે જાહેરસભા કરવાની તૈયારી દર્શાવી. સભા તો કંકાપુરામાં જ હતી એટલે
સરકારી પોલીસનો કાફલો કંકાપુરામાં ખડકાયો હતો, રાસની
સભાની ખબર મળતા પોલીસો મેજીસ્ટ્રેટ સાથે મારતી મોટરે રાસ પહોચ્યાં, સભાનો
સમય થતા મેજિસ્ટ્રેટે સરદારને ભાષણ નહી કરવાનો હુકમ કર્યો. અને આ હુકમની નાફરમાની
કરવાની સરદાર પટેલે જાહેરાત કરી આથી મેજિસ્ટ્રેટે સરદાર સાહેબની ધરપકડ કરવાનો હુકમ
જાહેર કર્યો. અને પોલીસ સુપરિંટેંડંટ બીલીમોરીઆએ સરદાર પટેલની ધરપકડ કરી.
ગાંધીજીએ
રાસ ગામના લોકો ને પોતાના ભાષણમાં કહ્યું “સરદારની ધરપકડના કારણે રાસ ગામ પર જવાબદારી
આવી છે. સરદાર વલ્લભભાઈ અમદાવાદથી બોરસદ જવા નિકળ્યા ત્યારે તો ખ્યાલ નહોતો કે તેઓની
ધરપકડ મારા પહેલાં થશે. એ તો ખેડા જિલ્લામાં મારો રસ્તો સાફ કરવા આવ્યા હતા. પણ પ્રથમ
ધરપકડનું સન્માન તેમને રાસમાં મળ્યું. એટલે રાસનો ધર્મ વિશેષ થયો. રાસ ઉપર તેમનો વધારે
હક્ક, તેઓ રાસમાં ભાષણ આપશે તેમ નક્કી જ નહોતું
પરંતુ તમારા પ્રેમ કાજે તેમણે ભાષણ કરવાનો ઈરાદો કર્યો. બસ આજ
એમનો ગુનો. રાસ ગામના એક એંસી વર્ષના ડોશીએ મને પૂછ્યું કે વલ્લભભાઈ છુટશે?
ત્યારે કહ્યું કે જો તમે કહો કે અમારે ન ખેતર જોઈએ, ન ઘરબાર જોઈએ, અને બધા જ બહારવટે નીકળી પડો તો અત્યારે
જ વલ્લભભાઈ છુટી શકે. જો આ તાકાત હોય તો મને પૂછજો, હું માર્ગ
બતાવીશ. રાસ ગામના ૫૦૦ સૈનિકો મળશે ત્યારે મારુ પેટ ભરાઈ જશે.
૧૨મી
માર્ચ પહેલાં જ રાસ ગામે લડત શરૂ થઈ ગઈ તેમ સરદાર સાહેબે જણાવી રાસને અભિનંદન
પાઠવ્યા અને રાસમાં સભા ન હોવા છતા સરદાર સાહેબે ગામના આગ્રહથી સભા કરવાની તૈયારી
બતાવી આથી રાસ ગામે પોતાની જવાબદારી સ્વીકારી લડતમાં ઝુકાવવાની ગાંઠ વાળી.
ફુલચંદભાઈ અને રાવજીભાઈ વગેરે કંકાપુરા પહોચ્યા અને હજારોની સંખ્યામાં એકત્ર થયેલા
ક્ષત્રિયભાઈઓને સંબોધ્યા. અને આમ સરદાર સાહેબનું કંકાપુરાનું અધુરુ કાર્ય પુરુ
કર્યુ. એક તરફ સરદાર પટેલની ધરપકડ, ખટલાની સુનવણી અને ૩ માસની
સજાના સમાચાર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ફેલાયા એટલે ૮મી ની સાંજે સાબરમતીના તટ
પર ગાંધીજીના પ્રમુખપદે ૫૦ થી ૭૫ હજાર લોકોની વિરાટ સભા મળી અને ઠરાવ થયો કે અમે
અમદાવાદના શહેરીઓ અમારો નિર્ણય જાહેર કરીએ છીએ કે, વલ્લભભાઈને જ્યા લઈ જવામાં
આવ્યા છે ત્યાં અમે જવા તૈયાર છે. જ્યા સુધી દેશને સ્વાધીનતા પ્રાપ્ત ન થાય ત્યા
સુધી જંપીને બેસીશું નહી, અને સરકારને પણ શાંતિથી બેસવા
નહી દઈએ. અમે અંતઃકરણથી માનીએ છે કે હિંદુસ્તાનની મુક્તિ સત્ય અને અહિંસાના
પાલનમાં રહેલી છે.” આ ઠરાવ થતાં જ મહાત્મા ગાંધીજીની જય અને સરદાર વલ્લભભાઈની જય
ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.
No comments: