Gandhiji - Bhagat Singh, Rajguru and Sukhdev? - Today That Day

Gandhiji - Bhagat Singh, Rajguru and Sukhdev? - Today That Day
ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને બચાવવા ગાંધીજીએ શું કર્યુ? – નવજીવન – ૧૨-૦૪-૧૯૩૧

ભગતસિંહ વગેરેની ફાંસી વિષે બોલતાં ગાંધીજીએ કહ્યું : “તેમને ફાંસીએ ચડાવીને સરકારે પ્રજાને છંછેડવાનું ભારે કારણ આપ્યું છે. મને પણ એ કરતાં વધારે આઘાત લાગ્યો છે, કેમકે મારી મસલતો અને વાતચીતો પરથી મારા મનમાં એવી દૂરની આશા બંધાઈ હતી કે ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ કદાચ બચી જાય. તેમને હું બચાવી ન શક્યો તે માટે નવજુવાનો મારા પર ક્રોધ કરે તેનું મને આશ્ચર્ય નથી થતું. પણ મારે તેમના પર ક્રોધ કરવાનિં કશું કારણ નથી. જે માણસ માનવજાતિની સેવા કરવાનો દાવો કરતો હોય તેણે જેમની પોતે સેવા કરે છે તેમના પર ક્રોધ ન કરવો એ તેનો ધર્મ છે. હું તો અહિંસાધર્મી હોવાથી મારાથી કોઈના પર ક્રોધ કરી શકાય એમ છે જ નહી. પણ અહિંસાધર્મી હોય કે ન હોય, સાચા સેવકનો ધર્મ એ છે કે તેણે પોતાના સ્વામી પર ક્રોધ ન કરવો. જગતમાં નમ્રમાં નમ્ર ગણાતી આપણી સ્ત્રીઓએ, ગંગાબેન જેમણે પોતાની સાડી લોહીથી તરબોળ થઈ ગઈ ત્યાં સુધી લાઠીના ઘા ઝીલ્યા તેમના જેવી સ્ત્રીઓએ, જે અદ્વિતિય સેવા કરી તે જો આપણે હિંસા આચરતા હોત તો કરી શકત ખરી? મુખે રામનામનું સ્મરણ કરીને ગંગાબેન અને તેમની સાથેની બહેનોએ મનમાં ક્રોધ આણ્યા વિના જુલમગારોને પડકાર્યા. બાળકો જેમણે રમકડાં, પતંગો અને ફટાકડાનો ત્યાગ કર્યો અને સ્વરાજના સૈનિક બન્યા તેમને તમે હિંસક લડાઈમાં શી રીતે સામેલ કરી શકત? આપણે કરોડો સ્ત્રી-પુરુષ અને બાળકોને સ્વરાજના સૈનિક બનાવી શક્યા તેનું એકમાત્ર કારણ એ હતું કે આપણે અહિંસાની પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા. હું જુવાનોને આજીજી કરું છું કે તેઓ ધીરજ રાખે અને પોતાના મન પર કાબૂ રાખે. ક્રોધથી આપણી પ્રગતિ થવાની નથી. આપણે અંગ્રેજોને શત્રુ ગણવાની જરૂર નથી. મેં તો સામે સત્યાગ્રહ કર્યો છે પણ તેમને કદી શત્રુ ગણ્યા નથી. તોફાનો કરવાથી, દેખાવો કરવાથી દહાડો વળવાનો નથી. તેથી શું ભગતસિંહને જીવતા કરી શકાશે? આથી તો સ્વરાજનો ઉદય દૂર થતો જશે. સરકારે ઉશ્કેરણી પૂરતું કારણ આપ્યું છે એ હું કબૂલ કરૂં છું, પણ આ અધીરા જુવાનોને હું ઈશ્વરને નામે, આપણી પ્રિય જન્મભૂમિને નામે વીનવું છું કે તેઓ આ અહિંસક લડતમાં ખરા જીગરથી ઝંપલાવે. ચાળીસ વર્ષના મારા અહિંસાના અખંડ આચરણ પર તેઓ વિશ્વાસ રાખે. “પણ એમ ન કરે તો તેઓ મને ભલે હણે, પણ ગાંધીવાદને તેઓ હણી શકવાના નથી. જો સત્યને હણી શકાય તો ગાંધીવાદને હણી શકાય”

કાનપુરમાં જે ભયંકર ખુનરેજી ચાલી રહી છે તે મોટે ભાગે આપણે એકબીજા સામે હ્રદયમાં સેવેલી હિંસાને આભારી છે, આપણે અહિંસા મર્યાદિત સાચવી શક્યા છીએ, પણ હ્રદયમાં હિંસા સેવી છે, છાપાઓ જણાવે છે કે કાનપુરના હિંદુઓ ભગતસિંહની શહાદતથી પાગલ થઈ ગયા અને ભગતસિંહના માનમાં દુકાનો બંધ ન કરનાર મુસલમાનોને ધમકી આપવા લાગ્યા. મને ખાતરી છે કે જો ભગતસિંહનો આત્મા કાનપુરમાં આજે જે ચાલી રહ્યું છે તે જોતો હશે તો તેને ઊંડી ભોઠપ અને શરમ ઊપજ્યા વિના નહી રહે. હું એટલે આ કહી શકું છું કારણ કે મે એને ટેકીલો પુરુષ કહેવાતો સાંભળ્યો છે. હિંદુ અને મુસલમાન બન્ને ભાન ભુલ્યા હતા. જે કાનપુરની હિંસામાં મર્યા તે બધા ભૂમિમાતાના બાળકો હતા, એક જ માતૃભૂમિના સંતાનો હતા.

કોઈએ સભામાં પ્રશ્ન પૂછ્યો કે ભગતસિંહને બચાવવા તમે શું કર્યુ? પ્રશ્ન પૂછનારનો ઈરાદો પ્રજા સઘળી વાત જાણે તે ઈચ્છાથી પ્રશ્ન પૂછ્યો હતો. ગાંધીજીએ વળતાં જવાબમાં કહ્યું “હું મારો બચાવ આપવા નહોતો બેઠો, એટલે મે ભગતસિંહને અને તેમના સાથીઓને બચાવવા શું કર્યુ તે વિગત આપની આગળ મૂકી નથી. મારાથી સમજાવાય તેટલી રીતે મેં વાઈસરોયને સમજાવી જોયા, મે મારી બધી જ શક્તિ સમજાવટ માટે અજમાવી. ભગતસિંહના સગાં સાથે છેલ્લી મુલાકાત માટે નક્કી થયેલે દિવસે એટલે કે ૨૩મી એ મે વાઈસરોયને અંગત કાગળૅ લખ્યો અને તેમાં મે મારો આત્મા રેડ્યો પરંતુ એ વ્યર્થ નીવડ્યો. તમે કહેશો કે મારે સજા ઘટાડાને માટે સમાધાનની એક શરત બનાવવી જોઈતી હતી. એ શક્ય નહોતુ, સમાધાની પાછી ખેંચવાની ધમકી આપવી એ તો વિશ્વાસઘાત થાય. સજાના ઘટાડાને સમાધાની માટેની શરત ન બનાવવામાં કાર્યવાહક સમિતિનો મને સાથ હતો, તેથી હું સમાધાનીથી અલગ જ એની વાત કરી શકું તેમ હતું. મે ઉદારતાની આશા રાખી હતી. મારી એ આશા સફળ થવાની નહોતી. પણ એ કારણે સમાધાની તો તોડી ન જ શકાય. આ પ્રયત્ન મારી સાથે સાથે પંડિત માલવીયાજી અને ડો. સપ્રુએ પણ પોતાનાથી બનતું કરી જોયું. પણ એ નિષ્ફળતાથી આપણે ચિંતાતુર શા માટે થવું? સફળતા ઈશ્વરના હાથની વાત છે. આપણી નિષ્ફળતાથી આપણે વધારે પ્રયત્ન કરવા પ્રેરાવું જોઈએ.Today That Day | Today This Day | Date Today | Today Special Day | Todays Day and Date | Today That Day

No comments:

Post a CommentSubscribe

Enter your email address:

Delivered by FeedBurner